06-04-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠા બાળકો - પોતાનાં ઉપર રહેમ કરો , બાપ જે મત આપે છે એનાં પર ચાલો તો અપાર ખુશી રહેશે , માયાનાં શ્રાપ થી બચેલા રહેશો ”

પ્રશ્ન :-
માયાનો શ્રાપ કેમ લાગે છે? શ્રાપિત આત્માની ગતિ શું થશે?

ઉત્તર :-
૧. બાપ અને ભણતરનો (જ્ઞાન રત્નોનો ) નિરાદર કરવાથી, પોતાની મત પર ચાલવાથી માયા નો શ્રાપ લાગી જાય છે,
૨. આસુરી ચલન છે, દૈવી ગુણ ધારણ નથી કરતાં તો પોતાનાં પર બેરહેમી કરે છે. બુદ્ધિને તાળું લાગી જાય છે. તેઓ બાપનાં દિલ પર ચઢી નથી શકતાં.

ઓમ શાંતિ!
રુહાની બાળકોને આ તો હવે નિશ્ચય છે કે આપણે આત્મ-અભિમાની બનવાનું છે અને બાપ ને યાદ કરવાનાં છે. માયા રુપી રાવણ જે છે તે શ્રાપિત, દુઃખી બનાવી દે છે. શ્રાપ અક્ષર જ દુઃખનો છે, વારસો અક્ષર સુખનો છે. જે બાળકો વફાદાર, ફરમાનબરદાર છે, તે સારી રીતે જાણે છે. જો નાફરમાનબરદાર છે, તે બાળક છે નહીં. ભલે પોતાને કાંઈ પણ સમજે પરંતુ બાપનાં દિલ પર ચઢી નથી શકતાં, વારસો પામી નથી સકતા. જો માયાનાં કહેવા પર ચાલે અને બાપ ને યાદ પણ નથી કરતાં, કોઈ ને સમજાવી નથી શકતાં. એટલે પોતાને પોતે જ શ્રાપિત કરે છે. બાળકો જાણે છે માયા ખૂબ જબરજસ્ત છે. જો બેહદનાં બાપનું પણ નથી માનતાં તો માયાનું માને છે. માયાનાં વશ થઈ જાય છે. કહેવત છે ને-પ્રભુની આજ્ઞા સિર માથા પર. તો બાપ કહે છે બાળકો, પુરુષાર્થ કરી બાપ ને યાદ કરો તો માયાનાં ખોળાથી નીકળી પ્રભુનાં ખોળામાં આવી જશો. બાપ તો બુદ્ધિવાનો નાં બુદ્ધિવાન છે. બાપનું નહી માનો તો બુદ્ધિને તાળું લાગી જશે. તાળું ખોલવા વાળા એક જ બાપ છે. શ્રીમત પર નથી ચાલતાં તો એમની શું હાલત થશે. માયાની મત પર કાંઈ પણ પદ પામી નહિં શકશે. ભલે સાંભળે છે પરંતુ ધારણા નથી કરી શકતાં, ન કરાવી શકે તો તેમની શું હાલત થશે! બાપ તો ગરીબ નિવાઝ છે. મનુષ્ય ગરીબોને દાન કરે છે તો બાપ પણ આવી ને કેટલું બેહદનું દાન કરે છે. જો શ્રીમત પર નથી ચાલતાં તો એકદમ બુદ્ધિને તાળું લાગી જાય છે. પછી શું પ્રાપ્તિ કરશે! શ્રીમત પર ચાલવાવાળા જ બાપનાં બાળકો થયાં. બાપ તો રહમદિલ છે. સમજે છે બહાર જતાં જ માયા એકદમ ખતમ કરી દેશે. કોઈ આપઘાત કરે છે તો પણ પોતાનું સત્યાનાશ કરે છે. બાપ તો સમજાવતાં રહે છે-પોતાનાં પર રહમ કરો, શ્રીમત પર ચાલો, પોતાની મત પર નહીં ચાલો. શ્રીમત પર ચાલવાથી ખુશીનો પારો ચઢશે. લક્ષ્મી-નારાયણનો ચહેરો જુઓ કેટલો ખુશનુમા: છે. તો પુરુષાર્થ કરી એવું ઉંચ પદ પામવું જોઈએ ને. બાપ અવિનાશી જ્ઞાન રત્ન આપે છે તો એમનો નિરાદર કેમ કરવો જોઈએ! રત્નોથી ઝોલી ભરવી જોઈએ. સાંભળે તો છે પરંતુ ઝોલી નથી ભરતાં કારણ કે બાપને યાદ નથી કરતાં. આસુરી ચલન ચાલે છે. બાપ વારંવાર સમજાવતા રહે છે-પોતાનાં પર રહેમ કરો, દૈવી ગુણ ધારણ કરો. તે છે જ આસુરી સંપ્રદાય. તેમને બાપ આવીને પરિસ્તાની બનાવે છે. પરિસ્તાન સ્વર્ગને કહેવાય છે. મનુષ્ય કેટલાં ધક્કા ખાતા રહે છે. સન્યાસીઓ વગેરે ની પાસે જાય છે, સમજે છે મનને શાંતિ મળશે. હકીકતમાં આ અક્ષર જ ખોટા છે, તેનો કોઈ અર્થ નથી. શાંતિ તો આત્માને જોઈએ ને. આત્મા સ્વયં શાંત સ્વરુપ છે. એવું પણ નથી કહેતા કે આત્મા ને કેવી રીતે શાંતિ મળે? કહે છે મનને શાંતિ કેવી રીતે મળે? હવે મન શું છે, બુદ્ધિ શું છે, આત્મા શું છે, કાંઈ પણ જાણતાં નથી. જે કંઈ કહે છે અથવા કરે છે તે બધું છે ભક્તિમાર્ગ. ભક્તિમાર્ગ વાળા સીડી નીચે ઉતરતાં-ઉતરતાં તમોપ્રધાન બનતાં જાય છે. ભલે કોઈને ખૂબ ધન, સંપત્તિ વગેરે છે તો છતાં પણ રાવણ રાજ્યમાં ને.

આપ બાળકોને ચિત્રો પર સમજાવવાની પણ ખૂબ સારી પ્રેક્ટિસ કરવાની છે. બાપ બધાં સેવાકેન્દ્રોનાં બાળકોને સમજાવતાં રહે છે, નંબરવાર તો છે ને. ઘણાં બાળકો રાજાઈ પદ પામવાનો પુરુષાર્થ નથી કરતાં તો પ્રજામાં શું જઈને બનશે! સર્વિસ (સેવા) નથી કરતાં, પોતાનાં પર તરસ નથી આવતી કે અમે શું બનશું પછી સમજાય છે ડ્રામામાં આમનો પાર્ટ એટલો છે. પોતાનું કલ્યાણ કરવા માટે જ્ઞાનની સાથે-સાથે યોગ પણ હોય. યોગમાં નથી રહેતાં તો કાંઈ પણ કલ્યાણ નથી થતું. યોગ વગર પાવન બની ન શકાય. જ્ઞાન તો ખુબ સહજ છે પરંતુ પોતાનું કલ્યાણ પણ કરવાનું છે. યોગમાં ન રહેવાથી કાંઈ પણ કલ્યાણ થતું નથી. યોગ વગર પાવન કેવી રીતે બનશો? જ્ઞાન અલગ ચીજ છે, યોગ અલગ ચીજ છે. યોગમાં બહુજ કાચાં છે. યાદ કરવાની અકલ જ નથી આવતી. તો યાદ વગર વિકર્મ કેવી રીતે વિનાશ થાય. પછી સજા બહુજ ખાવી પડે છે, ખૂબ પસ્તાવું પડે છે. તે સ્થૂળ કમાણી નથી કરતાં તો કોઈ સજા નથી ખાતાં, આમાં તો પાપોનો બોજો માથા પર છે, તેની ખૂબ સજા ખાવી પડે. બાળકો બનીને અને બેઅદબ થાય છે તો ખૂબ સજા મળી જાય છે. બાપ તો કહે છે-પોતાનાં પર રહેમ કરો, યોગમાં રહો. નહીં તો મફતમાં પોતાનો ઘાત કરે છે, જેમ કોઇ ઉપર થી પડે છે, મરતાં નથી તો હોસ્પિટલમાં પડ્યા રહેશે, બૂમો પાડતાં રહેશે. નાહક પોતાને ધક્કો આપ્યો, મર્યા નહિં, બાકી શું કામનાં રહ્યાં. અહીંયા પણ એવું છે. ચઢવાનું છે ખૂબ ઊંચું. શ્રીમત પર નથી ચાલતાં તો પડી જાય છે. આગળ ચાલી દરેક પોતાનાં પદ ને જોઈ લેશે કે અમે શું બનીએ છીએ? જે સર્વિસેબુલ (સેવાધારી), આજ્ઞાકારી હશે, તેજ ઉંચ પદ પામશે. નહીં તો દાસ-દાસી વગેરે જઈને બનશે. પછી સજા પણ ખૂબ આકરી મળશે. એ સમયે બન્ને જાણે ધર્મરાજનું રુપ બની જાય છે. પરંતુ બાળકો સમજતાં નથી, ભૂલો કરતાં રહે છે. સજા તો અહીંયા ખાવી પડશે ને. જેટલી જે સર્વિસ કરશે, શોભશે. નહીં તો કોઈ કામનાં નહીં રહે. બાપ કહે છે બીજાઓનું કલ્યાણ નથી કરી શકતાં તો પોતાનું કલ્યાણ તો કરો. બાંધેલીઓ પણ પોતાનું કલ્યાણ કરતી રહે છે. બાપ તો પણ બાળકોને કહે છે ખબરદાર રહો. નામ-રુપમાં ફસાવાથી માયા ખૂબ દગો આપે છે. કહે છે બાબા ફલાણીને જોવાથી અમારાં ખરાબ સંકલ્પ ચાલે છે. બાપ સમજાવે છે-કર્મેન્દ્રિયો થી ક્યારેય પણ ખરાબ કામ નથી કરવાનું. કોઈ પણ ગંદા મનુષ્ય જેમની ચલન ઠીક નથી હોતી તો સેવાકેન્દ્ર પર તેમને આવવા નથી દેવાનું. સ્કૂલમાં કોઈ બદચલન ચાલે છે તો ખૂબ માર ખાય છે. શિક્ષક બધાની આગળ બતાવે છે, આમણે આવી બદચલન કરી છે, એટલે તેમને સ્કૂલથી નીકાળી દેવાય છે. તમારાં સેવાકેન્દ્ર પર પણ એવી ગંદી દૃષ્ટિવાળા આવે છે, તો એમને ભગાવી દેવા જોઈએ. બાપ કહે છે ક્યારેય કુદૃષ્ટિ નહીં રહેવી જોઈએ. સર્વિસ નથી કરતાં, બાપ ને યાદ નથી કરતાં તો જરુર કાંઈ ને કાંઈ ગંદકી છે. જે સારી સર્વિસ કરે છે, તેમનું નામ પણ પ્રખ્યાત થાય છે. થોડો પણ સંકલ્પ આવ્યો, કુદૃષ્ટિ જાય તો સમજવું જોઈએ માયા નો વાર થાય છે. એકદમ છોડી દેવું જોઈએ. નહીં તો વૃદ્ધિને પામી નુકસાન કરી દેશે. બાપ ને યાદ કરશે તો બચતા રહેશે. બાબા બધાં બાળકોને સાવધાન કરે છે-ખબરદાર રહો, ક્યાંક પોતાનાં કુળનું નામ બદનામ ન કરો. કોઈ ગંધર્વ વિવાહ કરી સાથે રહે છે, તો કેટલું નામ પ્રખ્યાત કરે છે, કોઈ પછી ગંદા બની જાય છે. અહીંયા તમે આવ્યાં છો પોતાની સદ્દગતિ કરવાં, ન કે અધોગતિ કરવાં. ખરાબ થી ખરાબ છે કામ, પછી ક્રોધ. આવે છે બાપ થી વારસો લેવા માટે પરંતુ માયા વાર કરી શ્રાપ આપી દે છે તો એકદમ પડી જાય છે. એટલે પોતાને શ્રાપ આપે છે. તો બાપ સમજાવે છે ખૂબ સંભાળ રાખવાની છે, કોઈ એવું આવે તો તેમને એકદમ રવાના કરી દેવા જોઈએ. દેખાડે પણ છે ને-અમૃત પીવા આવ્યાં પછી બહાર જઈને અસુર બની ગંદકી કરી. તેઓ પછી આ જ્ઞાન સંભળાવી ન શકે. તાળું બંધ થઈ જાય છે. બાપ કહે છે પોતાની સર્વિસ પર જ તત્પર રહેવું જોઈએ. બાપની યાદમાં રહેતાં-રહેતાં અંતમાં ચાલ્યાં જવાનું છે ઘરે. ગીત પણ છે ને-રાત કે રાહી થક મત જાના…. આત્માને ઘરે જવાનું છે. આત્મા જ રાહી છે. આત્માને રોજ સમજાવાય છે હવે તમે શાંતિધામ જવાનાં રાહી છો. તો હવે બાપને, ઘરને અને વારસાને યાદ કરતાં રહો. પોતાને જોવાનું છે માયા ક્યાંય દગો તો નથી આપતી? હું પોતાનાં બાપને યાદ કરું છું?

ઊંચેથી ઉંચા બાપની તરફ જ દૃષ્ટિ રહે-આ છે ખૂબ ઊંચો પુરુષાર્થ. બાપ કહે છે-બાળકો કુદૃષ્ટિ છોડી દો. દેહ-અભિમાન એટલે કુદૃષ્ટિ, દેહી-અભિમાની એટલે શુદ્ધ દૃષ્ટિ. તો બાળકોની દૃષ્ટિ બાપની તરફ રહેવી જોઈએ. વારસો ખૂબ ઊંચો છે-વિશ્વની બાદશાહી, ઓછી વાત છે! સ્વપ્નમાં પણ કોઈને નહીં હશે કે ભણવાથી, યોગથી વિશ્વની બાદશાહી મળી શકે છે. ભણીને ઊંચું પદ પામશો તો બાપ પણ ખુશ થશે, શિક્ષક પણ ખુશ થશે, સદ્દગુરુ પણ ખુશ થશે. યાદ કરતા રહેશો તો બાપ પણ લાડ કરતાં રહેશે. બાપ કહે છે-બાળકો, આ ખામીઓ નીકાળી દો. નહીં તો મફતમાં નામ બદનામ કરશો. બાપ તો વિશ્વના માલિક બનાવે, સૌભાગ્ય ખોલે છે. ભારતવાસી જ ૧૦૦ ટકા સૌભાગ્યશાળી હતાં તો પછી ૧૦૦ ટકા દુર્ભાગ્યશાળી બને છે ફરી તમને સૌભાગ્યશાળી બનાવવા માટે ભણાવાય છે.

બાબાએ સમજાવ્યું છે ધર્મનાં જે મોટા-મોટા છે, તેઓ પણ તમારી પાસે આવશે. યોગ શીખીને જશે. મ્યુઝિયમ માં જે ટૂરિસ્ટ (યાત્રાળું) આવે છે, એમને પણ તમે સમજાવી શકો છો-હવે સ્વર્ગનાં દ્વાર ખુલવાનાં છે. ઝાડ પર સમજાવો, જુઓ તમે ફલાણા સમય પર આવો છો. ભારતવાસીઓ નો પાર્ટ ફલાણા સમય પર છે. તમે આ નોલેજ સાંભળો છો પછી પોતાનાં દેશમાં જઈને બતાવો કે બાપ ને યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. યોગનાં માટે તો તેઓ ઇચ્છા રાખે છે. હઠયોગી, સન્યાસી તો તેમને યોગ શીખવાડી ન શકે. તમારું મિશન (કાર્ય) પણ બહાર જશે. સમજાવવાની ખુબજ યુક્તિ જોઈએ. ધર્મના જે મોટા-મોટા છે તેમને આવવાનું તો છે. તમારાથી કોઈ એક પણ સારી રીતે આ નોલેજ લઈ જાય તો એક થી કેટલાં અનેક સમજી જશે. એકની બુદ્ધિમાં આવી ગયું તો પછી સમાચાર પત્રો વગેરેમાં પણ નાખશે. આ પણ ડ્રામામાં નોંધ છે. નહીં તો બાપ ને યાદ કરવાનું કેવી રીતે શીખે. બાપ નો પરિચય તો બધાને મળવાનો છે. કોઈને કોઈ નીકળશે. મ્યુઝિયમ માં ખુબ જૂની ચીજો જોવાં જાય છે. અહીંયા પછી તમારું જૂનું નોલેજ સાંભળશે. અનેક આવશે. એમનાથી કોઈ સારી રીતે સમજશે. અહીંયા થી જ દૃષ્ટિ મળશે અથવા તો મિશન બહાર જશે. તમે કહેશો બાપને યાદ કરો તો પોતાનાં ધર્મમાં ઊંચ પદ પામશો. પુનર્જન્મ લેતાં-લેતાં બધાં નીચે આવી ગયાં છે. નીચે ઉતરવું એટલે તમોપ્રધાન બનવું. પોપ વગેરે એવું કહી ન શકે કે બાપ ને યાદ કરો. બાપ ને જાણતાં જ નથી. તમારી પાસે ખૂબ સારું નોલેજ છે. ચિત્ર પણ સુંદર બનતા રહે છે. સુંદર ચીજ હશે તો મ્યુઝિયમ ખૂબ જ સુંદર હશે. અનેક આવશે જોવાં માટે. જેટલાં મોટા ચિત્ર હશે એટલું સારી રીતે સમજાવી શકશો. શોખ રહેવો જોઈએ અમે આમ સમજાવીએ. સદા તમારી બુદ્ધિ માં રહે કે અમે બ્રાહ્મણ બન્યાં છે તો જેટલી સર્વિસ કરશું એટલું ખૂબ માન થશે. અહીંયા પણ માન તો ત્યાં પણ માન હશે. તમે પૂજ્ય બનશો. આ ઈશ્વરીય નોલેજ ધારણ કરવાનું છે. બાપ તો કહે છે સર્વિસ પર દોડતા રહો. બાપ ક્યાંય પણ સર્વિસ પર મોકલે, તેમાં કલ્યાણ છે. આખો દિવસ બુદ્ધિમાં સર્વિસનાં વિચારો ચાલવાં જોઈએ. ફોરેનર્સ (વિદેશીઓ) ને પણ બાપ નો પરિચય આપવાનો છે. મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરો, કોઈ પણ દેહધારી ને ગુરુ નહીં બનાવો. સર્વનાં સદ્દગતિ દાતા એ એક બાપ છે. હવે હોલસેલ મોત સામે ઉભું હશે, હોલસેલ અને રિટેલ વ્યાપાર હોય છે ને. બાપ છે હોલસેલ, વારસો પણ હોલસેલ આપે છે. ૨૧ જન્મનાં માટે વિશ્વની રાજાઈ લો. મુખ્ય ચિત્ર છે જ ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ, સીડી, વિરાટ રુપ નું ચિત્ર અને ગીતાનો ભગવાન કોણ?....આ ચિત્ર તો ફર્સ્ટ ક્લાસ છે, આમાં બાપની મહિમા પૂરી છે. બાપે જ કૃષ્ણને આવાં બનાવ્યાં છે, આ વારસો ગોડફાધર એ આપ્યો. કળયુગમાં આટલાં અસંખ્ય મનુષ્ય છે, સતયુગમાં થોડા છે. આ અદલી-બદલી કોણે કરી ? જરા પણ કોઈ નથી જાણતાં. તો ટુરિસ્ટ વધારે કરીને મોટા-મોટા શહેરોમાં જાય છે. તેઓ પણ આવીને બાપ નો પરિચય પામશે. પોઇન્ટ્સ (મુદ્દાઓ) તો સર્વિસની ખૂબ મળતી રહે છે. વિલાયતમાં પણ જવાનું છે. એક તરફ તમે બાપનો પરિચય આપતાં રહેશો, બીજી તરફ મારામારી ચાલતી રહેશે. સતયુગમાં થોડા મનુષ્ય હશે તો જરુર બાકી નો વિનાશ થશે ને. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રીપીટ (પુનરાવર્તન) થાય છે. જે થઇ ગયું તે ફરી રિપીટ થશે. પરંતુ કોઇને સમજાવવાની પણ અક્કલ જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા એક બાપની તરફ જ દૃષ્ટિ રાખવાની છે. દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ કરી માયાનાં દગા થી બચવાનું છે. ક્યારેય કૃદૃષ્ટિ રાખી પોતાનાં કુળનું નામ બદનામ નથી કરવાનું.

2. સર્વિસનાં માટે ભાગ દોડ કરતાં રહેવાનું છે. સર્વિસેબુલ અને આજ્ઞાકારી બનવાનું છે. પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરવાનું છે. કોઈ પણ બદચલન નથી ચાલવાની.

વરદાન :-
એકતા અને સંતુષ્ટતા નાં સર્ટીફીકેટ દ્વારા સેવાઓમાં સદા સફળતા મૂર્ત ભવ

સેવાઓમાં સફળતા મૂર્ત બનવા માટે બે વાતો ધ્યાનમાં રાખવાની છે એક- સંસ્કારોને મળાવવાની યુનિટી અને બીજું સ્વયં પણ સદા સંતુષ્ટ રહો તથા બીજાઓને પણ સંતુષ્ટ કરો. સદા એક-બીજામાં સ્નેહની ભાવના થી, શ્રેષ્ઠતાની ભાવના થી સંપર્કમાં આવો તો આ બંને સર્ટિફિકેટ મળી જશે. પછી તમારું પ્રેક્ટિકલ (વ્યવહારિક) જીવન બાપ નાં ચહેરા નું દર્પણ બની જશે અને તે દર્પણ માં બાપ જે છે જેવાં છે તેવાં દેખાશે.

સ્લોગન :-
આત્મ સ્થિતિ માં સ્થિત થઈને અનેક આત્માઓને જીવદાન આપો તો દુવાઓ મળશે.